મંત્રીશ્રીનો સંદેશ

ભણાવવા કરતાં ‘કેળવવા’ શબ્દ વધારે સારો છે. આપણા કોશમાંથી ‘ભણાવવું’ શબ્દ આપણે કાઢી નાંખવો જોઈએ. આપણે બાળકોને કેળવવા છે. ભણાવી શકાય તો તે ‘વિષય’ કવિતા, ગણિત, ઈતિહાસ ભણાવી શકાય. પણ આપણે તો બાળકોને કેળવવા છે. સાત વર્ષ સુધી ભણવાનું કેવું ? ત્યાં સુધી તો કેવળ કેળવણી જ ચાલે. કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શક્તિને ઉંમરના પ્રમાણામાં પ્રગટ થવા દેવાની અનુકૂળતા આપવી તે પછી એ ઉગશે તો આપમેળે જ ગુલાબના છોડને ખાતર-પાણી દઈએ, નીંદામણ કરીએ, બાકી ગુલાબ એની મેળે ઉગશે. ઉગાડવાની ચિંતા આપણે નથી કરવાની એની ભીતર બધું પડયું જ છે. આપણે તો ખાલી થોડી મદદ કરવાની છે. સાત વર્ષ પછીના ભણતરમાં મૂળભૂત તફાવત છે. નાનાં બાળકો ઈન્દ્રિયો દ્વારા શીખવે છે, ભાષાજ્ઞાન દ્વારા નહીં. બાળકોને Symbol સંજ્ઞા ન ચાલે તેને તો પ્રત્યક્ષ મૂળ ચીજ જોઈએ, આ જગત જેના થકી બન્યું છે તે રસ, રૂપ, ગંધ, રંગ, વર્ણ વગેરેને એ પોતાની ઈન્દ્રિયોથી સમજવા માંગે છે. એટલે બાળકોને બાળપણમાં અનુભવવા દો. બાળક અનુભવથી જ શીખવા માંગે છે. બાળપણમાં આપણે બાળકોને ઈન્દ્રિયગત અનુભવ આપવાનો છે. એનું પહેલું કેન્દ્ર છે મા-બાપ ત્યારપછી ભાઈ-ભાડું, આંગણું, વનસ્પતિ, રોટી એમ ક્રમ આગળ વધે છે. બાળકને ધીરે ધીરે એના ક્રમમાં આગળ વધવા દેવાનું છે. બાળકમાં સંવેદના પ્રગટ થાય તે માટેનો અવકાશ આપવાનો છે. શિક્ષક બાળકની હથેળીમાં લાકડી મારે છે ત્યારે વિદ્રોહનાં બીજ ચિત્તમાં વવાઈ જાય છે. જે ચિત્તમાં વિરોધોનાં વિદ્રોહનાં જાળાં નથી, તે લડવા માટે ઉત્સુક નહીં થાય, બાળક પોતે જાતે અનુભવીને તે વિષયને સમજે જ છે. સાથો સાથ એનો પોતાનો આત્મવિશ્વાસ પણ વધારે છે. આ તેનું અનુભવ સિદ્ધજ્ઞાન હોય છે. ઉધાર જ્ઞાન નથી હોતું તેથી તે ડગતો નથી. બાળક ભાંગફોડ કરે તેની ચિંતા ન કરશો. આજે જગતમાં શાંતિના નામે શસ્ત્રો પાછળ કરોડો રૂપિયાનું આંધણ થાય છે, તેના પ્રમાણમાં બાળકની ભાંગફોડ કોઈ વિસાતમાં નથી. એને માટીમાંથી રમકડાં બનાવવા દો, ઠીકરાનાં ઘર ભલે એ ઘડે, કોડીનો મોર ભલે તે ચીતરે ! એનું આ સર્જન એના ચિત્તમાં શાંતિનું વાવેતર કરતી જાય છે.

બાળકમાં શાંતિનો ખજાનો પડયો છે એને સતત પ્રવૃત્તિ જોઈએ એ કદી થાકતું નથી. બાળકમાં આ શક્તિ પડેલી છે એ જે જાણે છે તે જ સાચો  શિક્ષક બની શકે. આજે આપણે કોન્વેન્ટ, અંગ્રેજી ભાષાનો મોહ વગેરે બાળકો પર લાદીને ત્રાસ ગુજારી રહ્યા છીએ. પેલી ગુલીવરની વાર્તા યાદ છે ને, જેમાં ઠિંગુજી મોટા લોકોની દુનિયામાં અટવાઈ જાય છે ! આ બાળકો તે ગુલીવર છે અને આપણે સૌ મોટા કદના રાક્ષસો ! આપણા ઢાળમાં તેમના બીબાં ઢાળીએ છીએ. પણ જીવનનો એક લય છે. બાળકમાં તે લયને એની મેળે લહેરાવા દો. બધું આપમેળે સુંદર સર્જાશે. નવસારી કેળવણી મંડળની શાળાઓમાં બાળકોને ભણાવવા સાથે કેળવવામાં પણ આવે છે.

શ્રી તુષારકાંત ઝીણાભાઈ દેસાઈ

મો. નંબર: ૯૮૯૮૨ ૫૦૫૭૦ લેન્ડલાઈન નંબર: (૦૨૬૩૭) ૨૫૩૩૦૫ 

એડ્રેસ  : ‘માતૃછાયા૬/એ, સાંઈનગર, આશાપુરી મંદિર પાછળ, વિજલપોર, નવસારી.