સ્થાપક સભ્યો

શ્રી લાલભાઈ ડાહ્યાભાઈ નાયક

આજે કોઈપણ જાહેરક્ષેત્રમાં સ્વ.લાલભાઈ ડાહ્યાભાઈ નાયક જેવા કર્મનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ, કર્તવ્ય પરાયણ, નિરાભિમાની, પ્રામાણિક, સાદગીના મૂર્તિસમા, બીજાના ઉત્કર્ષ માટે જીવન સમર્પિત કરી દેનાર, સેવા, સાદગી અને સંગઠનને વરેલા, નિ: સ્વાર્થ, નિષ્કામી, નિર્લોભી, નિર્મોહી, ગાંધી વિચાર અને ગીતા પ્રમાણે જીવન જીવનાર અહમ શૂન્ય વ્યક્તિ દીવો લઈને શોધવા જઈએ તો યે મળે તેમ નથી.

નવસારી કેળવણી મંડળ સંચાલિત નવસારી હાઈસ્કૂલની સ્થાપના અને સંવર્ધનમાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. એમના જાહેર જીવનથી પ્રેરાઈને મુંબઈ સરકારે ૧૯૫૧ના જૂન માસથી દીનબાઈ દાબુ કન્યાવિદ્યાયલયનું સંચાલન નવસારી કેળવણી મંડળને સોંપ્યું. ત્યારથી તેઓ બંને શાળાઓના સંવર્ધન માટે વિકાસ માટે છેલ્લા શ્વાસ સુધી કાર્યરત રહેલા. ૯૦ વિદ્યાર્થીઓથી શરૂ થયેલ આ શાળામાં આજે હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજે ૨૧મી સદીમાં આ શાળા વટવૃક્ષ બની ગઈ છે. એમને રાષ્ટ્રભક્તિના સંસ્કાર એમના પિતાશ્રી પાસેથી વારસામાં મળ્યા હતા. આઝાદી પછી તેઓ ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો, સરકારશ્રીની વંચિતો માટેની વિવિધ યોજના અમલમાં, મુકવા આદિવાસીઓના જીવન ઉત્કર્ષની પ્રવૃતિઓ, ખેડૂતો-ખેતમજૂરોની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું.

ડાંગ જિલ્લાના વનવાસીઓને રોજગારી મળે તે આશયથી જંગલકામદાર સહકારી મંડળીઓ સ્થાપી જંગલમાંથી કૂપો મેળવી વનવાસીઓને રોજગારી પૂરી પાડી હતી. કરોડો રૂપિયાનો વહીવટ પારદર્શકતા પૂર્વક અને કુશળતાપૂર્વક કરીને વનવિભાગ તથા સહકારી ખાતામાં અનેરી છાપ ઊભી કરી હતી. ગણદેવી સુગર ફેકટરી, નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, અન્ય સહકારી સંસ્થાઓની સ્થાપના અને કુશળ વહીવટમાં લાલભાઇ નાયકનું પ્રદાન અમૂલ્ય અને અન્યો માટે પ્રેરણાદાયી છે. એમના જીવનકાર્ય ઉપર એક વિદ્યાર્થીએ લઘુશોધ નિબંધ લખી એમફીલની પદવી મેળવી છે. સાદગી અને સાદાઈથી આખું જીવન સમર્પિત કરનાર લાલભાઇ નાયક એક દીવાદાંડી સમાન છે. ઘસાઈને ઉજળા બનવાની સુવાસ એમના જીવનમાંથી પ્રસરી રહેલી દેખાય છે.


શ્રી ઠાકોરભાઈ મણિભાઈ દેસાઇ

ગમે તેવા કટોકટીના કાળમાં પણ ધૈર્ય અને સ્વસ્થતા ગુમાવ્યા વિના અડગતા પૂર્વક પોતે સાચી માનેલી વાતને વળગી રહેનાર નિર્ભયતાની મૂર્તિ સમા સ્વ. ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈનો જન્મ તા-૧૩/૨/૧૯૦૩ ના રોજ વેગામ ગામે થયો હતો. તેમણે ગુજરાત રાષ્ટ્રીય વિદ્યાપીઠમાંથી અંગ્રેજી અને સંસ્કૃતના વિષય સાથે સ્નાતકની પદવી  મેળવી હતી. આઝાદીની લડતમાં સક્રીય ભાગ ભજવી જેલવાસ પણ ભોગવ્યો હતો. ૧૯૩૪માં જેલમાંથી છૂટ્યા પછી નવસારીમાં “મણિમુદ્રાણાલય” નામનું પ્રિંટિંગપ્રેસ શરૂ કર્યું. એ જ અરસામાં સ્વ લાલભાઇ નાયક, સ્વ રઘુનાથજી નાયક, સ્વ ઈશ્વરલાલ નાયક સાથે મળી નવસારીમાં રાષ્ટ્રીય શાળા- નવસારી હાઈસ્કૂલની સ્થાપના  કરી દેશપ્રેમ- રાષ્ટ્રપ્રેમની ભાવનવાળા તથા લોકસેવાના આદર્શોવાળા નવયુવકો પેદા કરવાનું ધ્યેય સંપૂર્ણ સિદ્ધ કર્યું હતું. ૧૯૪૨ ની હિંદ છોડોની ચળવળમાં આ સંસ્થાના બધા જ ટ્ર્સ્ટીઓ અને ૮ શિક્ષકો તથા વિર્ધાર્થીઓ પણ જોડાયેલા અને કારાવાસ ભોગવેલો.

૧૯૩૭માં મુંબઈમાં કોંગ્રેસનું પ્રધાન મંડળ રચાતાં તેઓ મહેસુલ મંત્રી મોરારજીભાઇ દેસાઈના અંગત મદદનીશ બન્યા હતા. ૧૯૪૨માં નવસારી  આવી સ્વ. લાલભાઇ નાયક સાથે આઝાદીની ચળવળમાં ઝૂકાવ્યું. સ્વરાજ્યનાં દરેક આંદોલનમાં ભાગ લઈ એમણે પાંચેક વર્ષનો કારાવાસ ભોગવ્યો હતો. નવસારી હાઇસ્કૂલની નાણાંભીડ વખતે પોતાની વેગામની મિલકત ટાંચમાં મૂકી રૂપિયા ૨૫૦૦૦ ની રકમ અર્પણ કરી હતી.

નવજીવન ટ્રસ્ટમાં રહીને સાહિત્યિક પ્રવૃત્તિઓ પણ કરી હતી. તેમણે આઝાદી પછી કોંગ્રેસ સંગઠનમાં રહી સેવા કરી હતી. ૧૯૬૭ માં ગણદેવીમાંથી ચૂટાઈને હિતેન્દ્ર્ભાઈ દેસાઈના મંત્રી મંડળમાં જોડાઈને ગરીબો – વંચિતોની સેવા માટે કાર્ય કરેલું. તેમણે પોતાનું સમગ્ર જીવન લોક કલ્યાણની પ્રવૃત્તિ માટે સમર્પિત કરી દીધું હતું. બહારથી કડક લાગતા ઠાકોરભાઈ દેસાઇ હકીકતમાં નિ:સ્વાર્થ, નિખાલસ, નીરાડંબરી અને  ઋજુ  હ્રદયના હતા. આજે એમના જેવા નિષ્ઠાવાન, મૂલ્યનિષ્ઠ, પ્રામાણિક, નિડર રાજકીય પુરુષ મળવા મુશ્કેલ છે. શ્રી વિષ્ણુભાઈ દવેએ સ્વ. ઠાકોરભાઈ દેસાઇનું જીવન ચરિત્ર  આલેખી મોટી સેવા કરી છે. એમનું જીવન ચરિત્ર દરેક યુવક-યુવતીએ વાંચવા જેવું છે.


શ્રી રઘુનાથજી હરિભાઇ નાયક

મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને આચરણમાં  મૂકનાર નવસારી હાઇસ્કૂલના આદ્યસ્થાપક અને આચાર્ય સ્વ  રઘુનાથજી હરિભાઇ નાયક નવસારીના કસબા ગામના વતની હતા. મહાત્મા ગાંધીની ૧૯૪૨ ની “હિંદ છોડો”ની લડતમાં સ્વ. રઘુનાથજી ભાઈએ જંપલાવેલું. તેમના વિરૂદ્ધ “ બોમ્બ બનવવાની પ્રવૃતિમાં સંકળાયેલા“ હોવાનો આરોપ ઘડાયેલો ગુનો દાખલ થયેલો. સદ્દભાગ્યે તેઓનો નિર્દોષ છૂટકારો થયેલો અન્યથા આજીવન કેદ કે મૃત્યુદંડની સજા થઈ હોત. તેમણે એક વર્ષ કારાવાસ ભોગવ્યો હતો. તેઓ કુદરતી ઉપચારના હિમાયતી તથા જીવ્યા ત્યાં સુધી પ્રયોગશીલ રહયા હતા. મુંબઈ રાજયના મુખ્યમંત્રી બનેલા તથા કેન્દ્રસરકારના નાણામંત્રી બનેલા મોરારજીભાઈ દેસાઇના પી.એ. તરીકે સ્વ. રઘુનાથજીભાઈએ સેવા બજાવી હતી. નવજીવન ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલા મહાત્મા ગાંધીજીના ૯૦ જેટલા ગ્રંથોમાં અનુવાદક તથા પ્રૂફરીકર તરીકે સેવા બજાવી હતી. ૧૯૩૫ માં જ્યારે નવસારી હાઇસ્કૂલની સ્થાપના થયેલી ત્યારે પ્રથમ આચાર્ય તરીકે રઘુનાથજીભાઈએ સેવા આપી હતી.


શ્રી ઈશ્વવરલાલ નાગરજી નાયક

શિક્ષણ અને સંસ્કાર દ્વારા રાષ્ટ્રની સેવા કરતાં કરતાં “માસ્તર” ના હુલામણા નામે લોકહૃદય માં આદરભર્યું સ્થાન પામેલા સદ્દ્ગત ઈશ્વવરલાલ નાગરજી નાયકે ઓચિંતા જ ૫૮ વર્ષની વયે જીવનલીલા સંકેલી લેતાં નવસારી કેળવણી મંડળ સહિત નવસારી ની જનતાએ આંચકો અનુભવ્યો હતો. તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે હિન્દુ, મુસ્લિમ, પારસી તથા અન્યજ્ઞાતિના લોકો ઉમટી પડેલા તેમના માનમાં નવસારીની વેપારી આલમે સ્વયંભૂ બંધ પાળી બજારો બંધ રાખ્યાં હતાં. નવસારીની  શિક્ષણ આલમમાં નભૂતો ન ભવિષ્યતિ જેવો ઇતિહાસ રચાયો. એક હાઈસ્કૂલના આચાર્યનું અવસાન થતાં વેપાર ધંધા સ્વયંભુ બંધ રહે તેવીઆ પ્રથમ અને કદાચ છેલ્લી ઘટના ગણાય. આવા આદર્શ કેળવણી કાર, કુશળ વહીવટકર્તા, નિષ્ઠાવાન, નિ: સ્વાર્થ સમાજ  સેવક, સ્વતંત્ર સેનાની નવસારી કેળવણી મંડળના સ્થાપક ટ્રસ્ટી અને શાળાના આચાર્ય તરીકે તેમના ઉમદા પ્રદાનને કેમ ભૂલાય? એમના જેવા વિનોદી સ્વભાવના કર્મઠ વ્યક્તિ મળ્યા તે નવસારી કેળવણીના અહોભાગ્ય….!