પૂર્વ ટ્રસ્ટીઓ

જનકશંકર મનુશંકર દવે

નવસારી કેળવણી મંડળ 1948 ની 28 મી જૂને ટ્રસ્ટ તરીકે નોંધાયું ત્યારે સ્વ. જનકશંકર મનુશંકર દવે પ્રથમ ટ્રસ્ટીઓ પૈકીના એક હતા. તેમણે 1939 થી 1965 સુધી નવસારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા બજાવી હતી. તેમણે 1930માં ફિલસૂફીના વિષય સાથે બી. એ. (ઓનર્સ) ની તથા 1935 માં એમ. એ. ની પદ્દ્વીઓ મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી  વિકાસ માટે વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાં ઉલટભેર ભાગ લઈ વિદ્યાર્થીઓને જીવન ઘડતરનું ભાથું બંધાવી આપ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર તેમજ ખાદી પ્રવૃત્તિને વેગવંતી બનાવવા સક્રિય ભાગ ભજવ્યો હતો. તેમનું સાદગીભર્યું જીવન સૌના માટે પ્રેરણાદાયી હતું. તેમણે શિક્ષણ, રાજકારણ અને અર્થશાસ્ત્ર વિષયો ઉપર પ્રકીર્ણ સાહિત્યિક લેખો લખ્યા હતા. તેમણે સંસ્કૃત ભાષામાં ત્રણ નાટકોની રચના કરી હતી. શિક્ષણ કાર્ય સાથે તેમણે નવસારીના જાહેર જીવનમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે દીર્ધકાળ સુધી સેવા બજાવી હતી.

 


નટવરલાલ મણિભાઈ દેસાઈ

સ્વ. નટવરલાલ મણિભાઈ દેસાઈએ નવસારી કેળવણી મંડળના મંત્રી તથા ટ્રસ્ટી તરીકે 19 વર્ષ (1953 થી 1972) સુધી સેવા આપી હતી. નવસારી હાઈસ્કૂલના સ્થાપકો પૈકીનાં એક એવા સ્વ. ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈના તેઓ લઘુબંધુ હતા. તેઓ વહીવટી કુશળતા ધરાવતા પ્રામાણિક, નિષ્ઠાવાન અને આજીવન ખાદીધારી હતા. તેમણે નવસારી હાઈસ્કૂલમાં ઓફિસ સુપરિન્ટેન્ડ્ન્ટ તરીકે દીર્ઘકાળ સુધી સેવા બજાવી હતી. તેમણે સ્વ. લાલભાઈ નાયક સાથે સહકારી પ્રવૃત્તિઓ તથા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સેવા બજાવી હતી.

 

 

 


શ્રીપાદ્ રઘુનાથ ફળણીકર

મહારાષ્ટ્રના પૂના વિસ્તારના મહારાષ્ટ્રીયન બ્રાહણની વિદ્વત્તા, ધર્મપરાયણતા, ઉચ્ચ ચારિત્ર્ય અને નિર્મળ જીવનના પ્રતિક એટલે  સ્વ. શ્રીપાદ્ રઘુનાથ ફળણીકર. તેમણે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી માંથી એમ.એ.એમ.એડ. ની ઉચ્ચ પદવીઓ મેળવી નવસારી કેળવણી મંડળ સંચાલિત દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલયમાં પ્રથમ નિરીક્ષક તરીકે અને એ બાદ આચાર્ય તરીકે સેવા બજાવી હતી. તેમના મિલનસાર, હેતાળ, સહિષ્ણુતા, નિર્માની જેવા સદ્દ્ગુણોને કારણે તેઓ અજાતશત્રુ કહેવાતા. તેઓ અંગ્રેજી અને સંસ્કૃત ભાષા ઉપર પણ પ્રભુત્વ ધરાવતા હતા. ગીતાના તેઓ ઊંડા અભ્યાસુ અને જ્ઞાની હતા.

વય મર્યાદાને કારણે નિવૃત થયા બાદ તેમણે નવસારી કેળવણી મંડળના મંત્રી અને પ્રમુખ તરીકે સેવા બજાવી હતી.