પ્રમુખશ્રીનો સંદેશ

આત્મીય જિજ્ઞાસુઓ,

જયારે સમગ્ર યુરોપ અને દુનિયા આખી અજ્ઞાનના અંધકારમાં હતી ત્યારે ભારત સુસંસ્કૃત હતું કારણ ભારત શિક્ષિત હતું. આપણને ગુલામીની બેડી પહેરાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના એક જીલ્લાનો આ સંદર્ભે સરવે કરાવ્યો હતો, વિનોબા ભાવે લખે છે સરવેમાં માલુમ પડયું  જીલ્લામાં ૪૦૦ ગામો હતા અને દરેક ગામમાં શાળા હતી. શિક્ષણનું પ્રમાણ ૧૦૦% હતું. પરદેશી ભાષા અંગ્રેજી ૪૦૦માંથી કોઈપણ શાળામાં ભણાવાતી નહતી, ને અંગ્રેજી ભણાવાતું ન હોતું તેથી અંગ્રેજોએ ૧૦૦ ટકા શિક્ષિત ભારતને અભણ, અસંસ્કારી ઠરાવી દીધું.

કહેવાય છે કે લોર્ડ મેકોલેએ ભારતમાં નવશિક્ષણનો પાયો નાખ્યો. અંગ્રેજ સરકારને જરૂરી એવા કારકુનો તૈયાર કરવા અને ભારતીય સંસ્કૃતિનો યોજનાબદ્ધ રીતે નાશ કરવા શરૂ થયેલ શિક્ષણ તો ગુલામી માનસ સર્જક છે. એ વાત વિદ્દવત જનોને ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સમજાઈ હતી. વીસમી સદીના પ્રારંભે-ગાંધીજી, સુભાષચંદ્રબોઝ દ્વારા સર્જાયેલ સ્વાતંત્ર્યની ચળવળના માહોલમાં આપણા દેશને અનુરૂપ રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપવાની શરૂઆત થવા માંડી હતી.

આ પંથકમાં નવસારી અગ્રેસર રહ્યું. સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ભાગ લેનાર આ પ્રદેશના શ્રી લાલભાઈ ડી. નાયક, શ્રી ઠાકોરભાઈ મણીભાઈ દેસાઈ, શ્રી રઘુનાથજી હરિભાઈ નાયક જેઓને રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાનું મહત્વ સમજાયું હતું અને તેમની અગવાઈમાં વર્ષ ૧૯૩૫માં નવસારી કેળવણી મંડળ સંચાલિત નવસારી હાઇસ્કૂલ રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી. સામે વહેણે તરવા જેવું એ સાહસ હતું. અનેક પ્રકારની મુસીબતો આવી, આર્થિક સંકટ સૌથી મોટું વિઘાતક પરિબળ હતું ત્યારે સ્થાપક સભ્યો શાબ્દિક અર્થમાં તન, મન, અને ધનથી શાળા ચાલુ રહે તે માટેના પ્રયત્નોમાં મંડયા રહ્યા. પગાર ન લેવો, અરે! કુટુંબની જર-જમીન ગિરવે મુકી શાળા ચાલુ રાખી. એ દીર્ઘદ્રષ્ટા પૂર્વસૂરીઓ શ્રી લાલભાઈ નાયક, શ્રી ઠાકોરભાઈ દેસાઈ અને શ્રી રઘુનાથજી  નાયક, દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલયના સ્થાપક રાજરત્ન દિનશાહ રતનજી દાબુ અને સન ૨૦૦૧માં શાળાનું નવ સંસ્કરણ કરનાર શ્રેષ્ઠીઓ શેઠ શ્રી હીરાલાલ છોટાલાલ પારેખ પરિવારના શ્રી શાંતિભાઈ પારેખ અને શ્રી નરેન્દ્રભાઈ પારેખ,  શ્રી મહેન્દ્રભાઈ છોટુભાઈ પટેલ અને શ્રી ભુલાભાઈ વનમાળીભાઈ પટેલ (ગામ : આસ્તા, તા: કામરેજ), વગેરેઓનું સ્મરણ અમ સર્વને હામ અને જોમ બક્ષે છે.

શાળાની ૮૩ વર્ષની યાત્રા ગૌરવભરી અને સફળ યાત્રા રહી છે. નવસારી અને આસપાસના ગામોના હજારો કિશોરોને શિક્ષિત કરી પગભર કરવા પૂર્વ  આચાર્યો અને જેમના સ્મરણ માત્રથી માથું નમી જાય એવા ચારિત્ર્ય ઘડતર શિક્ષકોનો અમૂલ્ય ફાળો રહ્યો છે એમનું પૂણ્ય સ્મરણ પણ અમોને રાહ ચિંધતું રહે છે.

શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, જીલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સાહિત્ય, કળા, વિજ્ઞાનમાં અનેક માન અકરામ, પુરસ્કારો પ્રાપ્ત કરતાં રહ્યાં છે. આત્મશ્લાઘાના ભયે શિક્ષણ જગતના ઉચ્ચતમ પુરુસ્કારો પ્રાપ્તિની વાતો લખવાની ટાળી છે.

દેશના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી, ભારતરત્ન તથા નિશાને પાકિસ્તાન એમ બંને ખિતાબક્ષી સન્માનિત સ્વ. મોરારજીભાઈ દેસાઈના પુનિત પગલાં અમારી શાળામાં પડ્યાં છે, એમની વાણી શાળા પરિસરમાં હજી પડઘાતી રહે છે.

અમારા પ્રયત્નો છે શાળામાં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓને વિચારશીલ, જ્ઞાન અને કલ્પનાસભર, સંવેદનશીલ નરસિંહ મહેતાએ કલ્પેલ વૈષ્ણવજન-માણસ બનાવવાના.

શ્રી ગિરીશભાઇ હરિપ્રસાદ દેસાઈ

પૂર્વ વિદ્યાર્થી નવસારી હાઇસ્કૂલ નવસારી

પ્રમુખશ્રી નવસારી કેળવણી મંડળ, નવસારી.

મો. નંબર: ૯૪૨૮૦૧૯૮૪૬
એડ્રેસ  : એ/૪૬, મજુર મહાજન સોસાયટી, જમાલપોર, ગણદેવી રોડ,નવસારી.