મુખ્ય દાતાશ્રીઓ

શ્રીમતી દીનબાઈ રતનજી દાબુ 

શ્રી રતનજી ફરામજી દાબુના જીવન સંગીની તથા શ્રી દીનશાહજી દાબુના માતુશ્રી શ્રીમતી દીનબાઈ દાબુ એક સામાન્ય ગૃહિણી હોવા છતાં પતિને ધાર્મિક તથા દાનવૃત્તિ માટે પ્રોત્સાહન આપતાં હતાં. નવસારી ખાતે કન્યા કેળવણી માટેની હાઈસ્કૂલની સ્થાપના, દાબુ હોસ્પિટલ, દાબુ હોસ્ટેલ, વ્યારા ખાતે હાઈસ્કૂલ,પુસ્તકાલય તથા કલોક ટાવર તેમજ ઘોલવાડ (મહારાષ્ટ્ર) ખાતે શાળા પુસ્તકાલયની સ્થાપના માટે દાન આપવા શ્રીમતી દીનબાઈ રતનજી દાબુ પ્રેરણામૂર્તિ રહ્યાં હતાં. ઈ.સ. ૧૯૩૯માં નવસારીના જૂનાથાણા ટેકરા ઉપર હાલમાં જેમાં નગરપાલિકાની પ્રા. શાળા ચાલે છે ત્યાં કન્યાઓ માટેની સરકારી માધ્યમિક શાળા શરૂ થયેલી. ઈ.સ. ૧૯૪૨માં વડોદરાના મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડ નવસારી પધારેલા ત્યારે નવસારીમાં કન્યા વિદ્યાલય માટે શ્રી દીનશાહજી દાબુએ રૂપિયા એક લાખના દાનની જાહેરાત કરી હતી. આ રકમ તા. ૧૩/૦૩/૧૯૪૭ ના રોજ નવસારી પધારેલા મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડને સુપ્રત કરેલી અને કન્યાઓ  માટેની માધ્યમિક શાળા સાથે માતુશ્રી દીનબાઈ દાબુનું નામ જોડવા સૂચવેલું.


શ્રી દીનશાહજી રતનજી દાબુ

સમાજમાંથી મેળવેલું સમાજને પરત કરવાની ઉમદાવૃત્તિ ધરાવતા દીનશાહજી રતનજી દાબુને વડોદરા રાજયના મહારાજા ગાયકવાડે તેમને “રાજરત્ન” નો એવોર્ડ આપી પોંખ્યા હતાં. તેઓ ૧૯૪૧માં નવસારી નગરપાલિકામાં પ્રથમ વખત સભ્ય તરીકે નિયુક્ત થયેલા. ૧૯૨૩ માં તેઓ નગરપાલિકા ચૂંટણીમાં વિજેતા બની પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ બન્યા હતાં. ફરીથી તેઓ ૧૯૩૪માં નવસારી પાલિકામાં પ્રમુખ બન્યા હતાં. તેમણે બરોડા સ્ટેટ લેજીસ્લેટીવ કાઉન્સીલ(ધારાસભા) તથા બૃહદ મુંબઈ રાજ્ય વિધાન પરિષદના સભ્ય તરીકે પણ સેવા બજાવી હતી. તેમણે વડોદરા રાજ્યના દિવાન તરીકે પણ સેવા બજાવી હતી. નવસારીના ભામાષા અને અનેક વિધ સંસ્થાઓની સ્થાપનાના પ્રેરણાસ્ત્રોત દાતા શ્રી દીનશાહજીદાબુ એ ૧૯૮૧માં આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી.તેમણે ગીતામાં ગવાયેલદાનના મહિમાને જીવનમાં ચરિતાર્થ કરી પોતાના જીવનને સાર્થક અને ધન્ય બનાવી દીધું હતું. તેમણે પોતાની તમામ મિલકતો અને પૂંજી “દીનશાહ દાબુ ચેરિટેબલ ટ્રસ્ટ” ને અર્પણ કરી દીધી હતી. સામાજિક ઉત્થાનની પ્રવૃતિઓ આજે આ ટ્રસ્ટ દ્વારા અવિરત  પણે ચાલુ છે. આ ટ્રસ્ટ દ્વારા નવસારીમાં લો કોલેજની સ્થાપના માટે રૂપિયા બે લાખનું દાન આપવામાં આવ્યું હતું.


શેઠ હિરાલાલ છોટાલાલ પારેખ

નવસારીના નગર શેઠ ગણાતા પરિવારમાં જન્મેલા – ગર્ભશ્રીમંત ગણાતા. શ્રી હિરાલાલ છોટાલાલ પારેખનું જીવન અન્યો માટે પ્રેરણારૂપ છે. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક લીલી-સૂકી જોઈ છે. તેમણે સુખ-દુ:ખ, સફળતા- નિષ્ફળતા, ચડતી- પડતી, સમૃદ્ધિ-ગરીબી જેવા વાસ્તવિક જીવનના બંને પાસાંઓ અનુભવ્યાં હતાં. મહારાજા સયાજીરાવ ગાયકવાડને પણ એમના માટે આદરભાવ હતો. આ શ્રીમંત પરિવાર સોના-ચાંદીના ધંધામાં નામના-કીર્તિ મેળવી હતી. તેઓ સમાજના અન્યોના જીવન ઉજાગર કરવા માટે આર્થિક સહાય-ધિરાણ સ્વરૂપે કરતા હતા. કમ-નસીબે ધિરાણ ડૂબી જતાં આ પરિવારે ભારે નાણા ભીડમાં સરી પડ્યો હતો. પરંતુ પોતાના દીકરાઓને સિંચેલા સંસ્કારોને કારણે દીકરાઓએ ૨૫ વર્ષના ટૂંકાગાળામાં ફરીથી પિતાના સોના-ચાંદીના ધંધામાં પુનઃપ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ધન પણ કમાયા. એમનો સુપુત્રો સ્વ. નરેન્દ્રભાઈ પારેખ અને સ્વ. શાંતિલાલ પારેખે પિતાની ચિરંજીવ સ્મૃતિ માટે નવસારી કેળવણી મંડળને રૂપિયા એકતાળીસ લાખનું માતબર દાન આપ્યું હતું.


શ્રી નરેન્દ્ર હિરાલાલ પારેખ

નવસારી હાઈસ્કૂલના ભુતપૂર્વ વિદ્યાર્થી અને નવસારી કેળવણી મંડળના પ્રમુખ તરીકે દોઢ દાયકા ઉપરાંત – જીવ્યા ત્યાં સુધી સેવા બજાવનાર સ્વ. નરેન્દ્ર હિરાલાલ પારેખનું શરૂઆતનું જીવન ગરીબાઈમાં વિત્યું હતું.  નવસારી હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. થયા બાદ નાણાંના  અભાવે આગળનો અભ્યાસ પડતો મૂકી પર પ્રાંતમાં નોકરી સ્વીકારી લીધી. આશરે ૯ વર્ષની નોકરી બાદ નવસારીની પોતાના સોના-ચાંદીના ધંધાની દુકાનમાં જરૂરિયાત પડતાં તેઓ નવસારી આવી ગયા. તેમને વારસામાં મળેલ વેપારની કોઠા સૂઝથી તેમણે જોત જોતામાં સોના-ચાંદીના વેપારમાં ખૂબ પ્રગતિ કરી. તેમની કુનેહ, સાલસ સ્વભાવ, વિવેકી વાણીને સથવારેતેમણે પારેખ બ્રધર્સની પેઢીને ધમધમતી કરી દીધી. પુષ્ટિ સંપ્રદાયની આધ્યાત્મિક પ્રવૃતિમાં ઓતપ્રોત થઈ આધ્યાત્મિક માર્ગ-આત્મ-કલ્યાણ અર્થે પ્રવૃત્ત રહ્યા. તેમણે નવસારી ચેમ્બેર્સ ઓફ કોમર્સ, નવસારીચોક્સી એસોસીએશન, ગુજરાત રાજ્ય ચોક્સી મહાજનના દક્ષિણ ગુજરાત શાખા તેમજ વલસાડ જિલ્લા ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ જેવી સંસ્થાઓના વિવિધ પદો પર રહી વર્ષો સુધી સેવા બજાવી હતી. તેમણે નવસારી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી. તેમણે પોતાના નામે રૂ|.૨૫ લાખનું માતબર દાન સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયને આપ્યું હતું. નવસારી કેળવણી મંડળને  રૂ|.૪૧ લાખનું દાન કરી નવસારી હાઈસ્કૂલના નવા મકાનના પ્રેરણા શ્રોત બન્યા હતા. નવસારી કેળવણી મંડળના પ્રમુખ તરીકે પણ તેમની સેવા નોંધનીય છે.


શ્રી શાંતિલાલ હિરાલાલ પારેખ

મિતભાષી સ્વ.શાંતિલાલ હિરાલાલ પારેખ  સ્વ. નરેન્દ્ર પારેખના મોટાભાઈ હતા. પોતે મોટાભાઈ હોવા છતાં ધંધાનું સુકાન લઘુબંધુ નરેન્દ્રભાઈને સોંપ્યું હતું. ચાર ભાઈઓ પૈકી આ બંને ભાઈઓએ સંપ સુહદભાવ અને એકતાથી સોનાચાંદીના ધંધામાં ખૂબ પ્રગતિ કરી ધંધાનો વિકાસ કર્યો. આજે એમના સંતાનો પણ એક સાથે એક જૂથ રહીને ધંધાને આગળ ધપાવી રહ્યા છે. સ્વ. નરેન્દ્રભાઈ પારેખના સુપુત્ર પ્રશાંતભાઈ પારેખ અને સ્વ. શાંતિલાલ પારેખના સુપુત્ર શ્રી હિરેનભાઇ પારેખ નવસારી કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે સક્રીય સેવા આપી રહ્યા છે. સ્વ. શાંતિલાલ પારેખે નવસારી કેળવણી મંડળને  રૂ|.૪૧ લાખના માતબર દાન માટે સ્વ. નરેન્દ્રભાઈ પારેખને ખૂબ પ્રેરણા આપી હતી.


શ્રી છોટુભાઈ ભીખાભાઇ પટેલ

નવસારીના સામાજિક અને રાજકીય કાર્યકર તથા આ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી શ્રી છોટુભાઈ ભીખાભાઈ પટેલના સુપુત્ર શ્રી મહેન્દ્રભાઈ પટેલે તેમની સ્મૃતિમાં સભાખંડ માટે માતબર દાન આપ્યું હતું.

નવસારી કેળવણી મંડળનું ટ્રસ્ટમાં રૂપાંતર થયું ત્યારથી જીવનના છેલ્લા શ્વાસ સુધી મંડળના ટ્રસ્ટી તરીકે સેવા બજાવી હતી. તેમણે નવસારી પ્રાંત પ્રજામંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકે તથા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે લોકસેવાના કાર્યો પણ કર્યા હતાં.


સીમા પટેલ

શ્રી મહેન્દ્રભાઇ અને શ્રીમતી મંજુલાબેનના સુખી દાંપત્ય જીવનને પરિણામે તેમને ત્યાં બે સંતાન રત્નો સીમા અને નિખિલ અવતર્યા.સીમાબેન નાનપણથી જ ભણવામાં હોશિયાર અને આજ્ઞાંકિત પુત્રી હતાં. તેમણે માઇક્રોબાયોલોજીના વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી.તેઓ અમેરીકામાં ઉછર્યા – ભણ્યા હોવા છતાં પૂરેપૂરા ભારતીય હતાં.તેમના લગ્ન અમેરિકાના ટેક્ષાસ ખાતે રહેતા સંજયભાઈ પટેલ સાથે થયાં હતાં. તેઓ બે દીકરીઓના લાડકવાયી માતુશ્રી હતાં. ૩૨ વર્ષની ઉમરે કેન્સરની બીમારી લાગુ પડતાં તેમણે દેહત્યાગ કર્યો. તેમની સ્મૃતિ ચિરંજીવ રહે તે માટે તેમાના પિતાશ્રી મહેન્દ્રભાઇ પટેલે સંસ્થાને રૂપિયા ૩૫ લાખનું માતબર દાન આપ્યું હતું.


શ્રી મહેન્દ્રભાઇ છોટુભાઇ પટેલ

નવસારી  નજીક તિઘરા ગામના વતની, ઇલેક્ટ્રીક એન્જીનીયર, અમેરિકા નિવાસી શ્રી મહેન્દ્રભાઇ છોટુભાઇ પટેલ અને ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેન પટેલ કેન્સરની જીવલેણ બીમારીમાં દેહાવસાન પામેલ દીકરી સીમા પટેલની ચિરંજીવ સ્મૃતિ  માટે નવસારી કેળવણી મંડળને રૂપિયા ૨૫ લાખ  તથા પિતાશ્રી સ્વ. છોટુભાઇ ભીખાભાઇ પટેલની પૂણ્ય સ્મૃતિમાં સભા ખંડ માટે રૂપિયા ૧૦લાખ મળી કુલ ૩૫ લાખનું માતબર દાન  આપી વતન અને શાળા પ્રત્યેનું ઋણ અદા કર્યું. શ્રી મહેન્દ્રભાઇ છોટુભાઇ પટેલે  આ જ શાળામાંથી માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. એમના પિતાશ્રી સ્વ. છોટુભાઇ ભીખાભાઇ પટેલ નવસારી કેળવણી મંડળના ટ્રસ્ટી હતાં.


શ્રી ભૂલાભાઇ વનમાળીભાઈ પટેલ
આસ્તા ગામ તાલુકા કામરેજ જિલ્લા સુરતના ભામાષા

સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં આસ્તા ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા સ્વ.ભૂલાભાઇ વનમાળી પટેલે નવસારી કેળવણી મંડળ સંચાલિત “શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિધાલય” માટે માતબર સખાવત કરી હતી. મહાત્મા ગાંધીના પુસ્તકોમાંથી “શ્રીમદ્ રાજચંદ્ર ” વિષે જાણીને એ અંગે ઊંડો અભ્યાસ કરી તેઓ શ્રીમદ રાજચંદ્રના ચુસ્ત અનુયાયી  બન્યા. તેમણે પોતાના બહોળા પરિવારને ઉપર લાવવા અમેરિકા જઈ મૉટેલ વ્યવસાય શરૂ કર્યો હતો. અર્થોપાર્જન માંથી પોતાને ચાલે એટલું રાખી બાકીનું બધું દાન શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે અર્પણ કરતા રહ્યા . તેમણે અને તેમના પરિવારે શ્રીમદ્ રાજચંદ્રના આદર્શો જીવનમાં ઉતાર્યા, આચરણમાં મૂક્યા અને અન્યોને પ્રેરણા પીયૂષપાયા, અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતની 37 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં તેમણે કુલ રૂપિયા 11 કરોડથી વધુની રકમ દાનમાં આપી છે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે જુદા જુદા દવાખાનાને પગભાર કરવા રૂપિયા ચારેક કરોડથી વધુની રકમનું દાન કર્યું છે. આટલી બધી સખાવત કરી છતાં ક્યાંય પોતાનું કે પરિવાર જનનું નામ આવવા દીધું નથી.